-
ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટનાનો મામલો
-
21 લોકોના મોત, જ્યારે અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ
-
કેસની તપાસ અર્થે કરવામાં આવી છે SITની રચના
-
SITના અધ્યક્ષ સહિતનો કાફલો ડીસા ખાતે પહોચ્યો
-
અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર માહિતી મેળવી
બનાસકાંઠા જિલ્લાઆગ ના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ ફાટી નીકળતા 21 લોકોના મોત થયા છે, ત્યારે આ કેસની તપાસ અર્થે SIT અધ્યક્ષ ભાવિન પંડ્યા સહિતનો કાફલો ડીસા ખાતે દોડી આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આજે ડીસા પહોંચી હતી. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા હતા. તપાસ ટીમે ડીસા સર્કિટ હાઉસમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ વાઘેલા, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડિરેક્ટર એચ.પી.સંઘવી, માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયર જે.એ.ગાંધી સહિત ટેક્નિકલ એક્સપર્ટ તેમજ ફોરેન્સિક એક્સપર્ટની ટીમે ઉપસ્થિત રહી બ્લાસ્ટ કેસની વિગતવાર માહિતી મેળવી હતી.
સૌપ્રથમ એક્સપ્લોઝિવએક્ટ અને નિયમ અનુસાર ગોડાઉનમાં કામ થતું હતું કે, નહીં. તેમજ કયા કારણોસર બ્લાસ્ટ થયો તે અંગે SIT દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. ડીસા બ્લાસ્ટ મામલે SITના અધ્યક્ષ ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, 21 લોકોના મોતની દુ:ખદ ઘટના મામલે SIT દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ કેસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે. મારી સાથેની આખી ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી છે. આમ આજથી સીટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, SIT ટીમ આગામી દિવસોમાં સ્થાનિક લોકો અને સાક્ષીઓની પૂછપરછ કરશે. આ ઉપરાંત ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.