ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે ગતરોજ ગણેશ વિસર્જન દરમ્યાન મેશ્વો નદીમાં ડૂબી જતાં એક જ ફળિયામાં રહેતાં 8 લોકોના મોત થયા હતા, ત્યારે આજે એકસાથે આઠેય હતભાગીઓની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો.
ગુજરાત રાજ્યમાં ગણેશ વિસર્જનમાં છેલ્લા 6 દિવસમાં ડૂબી જતાં કુલ 15 લોકોના મોત નીપજ્યા છે. ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ગત શુક્રવારે બપોરના સમયે મોટા ફળિયા વિસ્તારમાં રહેતા લોકો મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા, જ્યાં ન્હાવા પડેલા 9 લોકો પૈકી 8 લોકો ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, અને શોધખોળ હાથ ધરી હતી. બનાવના પગલે પ્રાંત અધિકારી, TDO, મામલતદાર, ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં 5 યુવકના મૃતદેહ મળ્યા. બાદમાં અન્ય 3 યુવકના પણ મૃતદેહ મળી આવ્યા હતા. તમામ મૃતદેહને દહેગામ અને રખીયાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને તેઓના પરિજનોને સોંપવામાં આવી હતી. વાસણા સોગઠીના મોટાવાસમાં રહેતાં ચૌહાણ અને સોલંકી પરિવારના 8 લોકોના મોત થતાં આજે વાસણા સોગઠીના મોટા વાસ ખાતેથી એકસાથે આઠેય હતભાગીઓની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો. નાના એવા ગામમાં કોણ કોને સાંત્વના આપે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.