-
સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો નિર્ણય
-
ધાનેરાને વાવ-થરાદમાં સમાવેશની જાહેરાતનો વિરોધ
-
21 દિવસથી ધાનેરાવાસીઓનું વિરોધ પ્રદર્શન યથાવત
-
5 હજાર જેટલી વાંધા અરજીઓ સાથે કલેક્ટરને રજૂઆત
-
ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધાનેરાવાસીઓએ કચેરી ગજવી મુકી
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં 5 હજાર જેટલી વાંધા અરજીઓ લઈને ધાનેરાવાસીઓ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવાની જાહેરાત થતાં ધાનેરામાં છેલ્લા 21 દિવસથી સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
જેમાં આંદોલન, આવેદનપત્ર, ધરણાં, જન આક્રોશ સભા, ઈમેલ દ્વારા પત્ર વિગેરે કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. જેના ઉગ્ર આક્રોશ વચ્ચે હવે 5 હજાર જેટલી વાંધા અરજીઓ લઈ ધાનેરાના સ્થાનિકો કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. જેમાં થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી.
“નથી જવું... નથી જવું..., અમારે થરાદમાં નથી જવું..!”ના સૂત્રોચ્ચાર સાથે ધાનેરાવાસીઓએ કલેક્ટર કચેરી ગજવી મુકી હતી. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, અમારે તો બનાસમાં જ રહેવું છે. થરાદ અમારા માટે અનુકુળ નથી.