ઇફ્કોએ આપ્યો ખેડૂતોને આંચકો
NPK ખાતરમાં કર્યો ભાવ વધારો
50 કિલોએ રૂ.130નો વધારો ઝીંકાયો
ખેડૂતોનું આર્થિક ભારણ વધ્યું
કિસાન કોંગ્રેસના ચેરમેને આપી પ્રતિક્રિયા
ગુજરાતના ખેડૂતોને ઇફ્કોએ મોટો આંચકો આપ્યો છે. કંપનીએ NPK ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોએ રૂપિયા 130નો વધારો ઝીંક્યો છે. અગાઉ રૂપિયા 1720માં મળતી ખાતરની આ થેલી હવે ખેડૂતોને રૂપિયા 1850માં ખરીદવી પડશે.આ અંગે દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કિસાન આગેવાન પાલ આંબલીયાએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.
ઇફ્ફ્કો દ્વારા NPK ખાતરની 50 કિલોની થેલી પર રૂપિયા 130નો ભાવ વધારો ઝીંકવામાં આવતા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અગાઉ રૂપિયા 1720માં મળતી NPK ખાતરની થેલીનો ભાવ હવે રૂપિયા 1850 કરવામાં આવ્યો છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.
પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે આવશ્યક વસ્તુઓ જેવી કે, દવા, ખાતર, બિયારણ, ડીઝલ અને મજૂરીમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ખેત પેદાશોના ભાવ દર વર્ષે વધવાને બદલે ઘટી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો આંતરરાષ્ટ્રીય બજારની અસર હોય, તો ખેત જણસના ભાવ પણ વધવા જોઈએ.
આ ઉપરાંત પાલ આંબલીયાએ સરકારની નીતિઓ પર પ્રશ્નાર્થ કરતા કહ્યું કે, સરકાર 2 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપે છે, તેમ છતાં છેલ્લા 10 વર્ષમાં ખાતરના ભાવમાં 350 ટકાનો વધારો થયો છે, જે સમજની બહાર છે. આ ભાવ વધારાથી ખેડૂતો પર આર્થિક બોજ વધશે અને તેમની ખેતી ખર્ચાળ બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે.