મિલેટ્રી રોડ પર ગમખ્વાર અકસ્માત
બોલેરો પીકઅપે પલટી મારતા સર્જાયો અકસ્માત
અકસ્માતમાં 3 લોકોના મોત,23 ઈજાગ્રસ્ત
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
એક જ પરિવારના સભ્યોને નડ્યો અકસ્માત
બોટાદના મિલેટ્રી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના સભ્યોથી ભરેલી પિકઅપ વાન અચાનક પલટી મારી જતાં ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે પરિવારના અન્ય 23 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું.
બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતો એક પરિવાર પિકઅપ વાનમાં સવાર થઈને કોઈ સામાજિક પ્રસંગે કે કામ અર્થે બહારગામ જઈ રહ્યો હતો. પિકઅપ વાન જ્યારે મિલેટ્રી રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા વાન જોરદાર પલટી ખાઈ ગઈ હતી. વાન પલટી જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિતના સભ્યો ફંગોળાયા હતા. જેમાં 3 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા હતા અને એક જ પરિવારના 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત થતાં જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.