ગઝલ સંસ્કાર કાર્યશાળાનું કરાયું આયોજન
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાયું આયોજન
સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારોએ લીધો ભાગ
ગઝલના ઇતિહાસ સહિતની રસપ્રદ માહિતની કરાઈ રજૂઆત
ગઝલના રેખાચિત્રોનું આલેખન પદ્ધતિનું અપાયું માર્ગદર્શન
અરબી, ફારસી છંદોના ગુજરાતી નામકરણની કરાઈ છણાવટ
ભરૂચ ભોલાવ ખાતેની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સુંદર પરિસર ખાતે તારીખ 27 જુલાઈ રવિવારના રોજ બુધ કવિસભા ભરૂચ, મયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય વક્તા તરીકે સંસ્કારી નગરી વડોદરાના સુપ્રસિધ્ધ ગઝલકાર કવિ મકરંદ મુસળે હાજર રહ્યા હતા. સદર કાર્યશાળામાં ગઝલની ઉત્પતિ, ગઝલનો ઈતિહાસ, તેમજ ગઝલ વિશેના એકમ ઘટકો ગણ, છંદ, લય વિગેરેની વિસ્તૃત માહિતી મલ્ટી મિડિયા પ્રોજેક્ટરના ઉપયોગ સાથે મોટા સ્ક્રીન પર પૂરી પાડવામાં આવી હતી.
તદુપરાંત, સાહિત્ય જગતમાં પ્રથમવાર ગઝલના નવીનતમ આયામો જેવા કે, ગઝલના અરબી, ફારસી છંદોનું ગુજરાતી નામકરણ તેમજ ગઝલના લગાત્મક સ્વરૂપોના સંદર્ભ રેખાચિત્રો (ગ્રાફ) નું આલેખન પદ્ધતિ પણ શીખવવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં જતીન પરમારે'કાર્યશાળાના ઉદેશ્ય, મુખ્ય વક્તા કવિ મકરંદ મુસળે નો પરિચય આપી સફળ સંચાલન કર્યું હતું. જ્યારે પ્રમોદ પંડ્યાએ બુધ કવિ સભાનો છેલ્લા ત્રણ વર્ષનો સાતત્યસભર ઇતિહાસ અને સાહિત્ય ક્ષેત્રે કરેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપી બુધ કવિ સભાને એક આગવી ઓળખ આપી હતી. બુધ કવિ સભાના કવિ કમલેશ ચૌધરીએ મકરંદ મુસળેનું તેમજ કવયિત્રી હેતલ ચૌધરીએ મયુરી ફાઉન્ડેશનના ધ્રુવ જોશીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી સન્માનિત કર્યા હતા.જ્યારે શ્રીમતી હેમાક્ષી શાહ અને શ્રીમતી હેતલબેન ચૌધરીએ કાર્યશાળા માટે આધારરૂપ વહીવટી જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના અંતમાં કવિ પ્રધુમન ખાચરે આગવી છટામાં આભારવિધિ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
બુધ કવિ સભાના ફાઉન્ડર મેમ્બર બ્રીજ પાઠકે ઉમેર્યું હતું કે દરેક બુધ કવિ સભામાં અમે સુપ્રસિદ્ધ કવિઓને અમારી સાથે ઓનલાઈન માધ્યમ દ્વારા સાંકળીએ છીએ ઉપરાંત મયુરી ફાઉન્ડેશન વડોદરા દ્વારા આ "ગઝલ સંસ્કાર" કાર્યશાળા માટેની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ આર્થિક સહયોગ સાંપડ્યો હતો.જે માટે સંસ્થા ઋણી છે. જ્યારે પ્રતિસાદરૂપે ધ્રુવ જોશી દ્વારા બુધ કવિ સભાના સંયુક્ત ગઝલ સંગ્રહના પુસ્તક તૈયાર કરવા આહવાન કરી આર્થિક સહાયની કરેલ આગોતરી જાહેરાતની વાતને પ્રોત્સાહક બળ તરીકે નોંધવામાં આવી હતી.
આ નવીનતમ "ગઝલ સંસ્કાર" કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભરૂચ, અંકલેશ્વર,વડોદરા, સુરત, વાપી, તેમજ અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારોએ ઉમળકાભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે બુધ કવિ સભાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.