ગુજરાત મોડલની સમગ્ર દેશમાં ચર્ચા છે ત્યારે કર્ણાટકના ઉદ્યોગમંત્રી જગદીશ શેટ્ટારની આગેવાનીમાં 13 સભ્યોનું પ્રતિનિધિ મંડળ રાજયની મુલાકાતે આવ્યું છે..
કર્ણાટકના ઉદ્યોગમંત્રી જગદીશ શેટ્ટારની અધ્યક્ષતામાં ૧૩ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે છે. ખાસ કરીને તેઓ MSME સેકટરની સમગ્ર ઈકો સિસ્ટમના અભ્યાસ માટે આવ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં ગિફટ સિટી જેવી વિશ્વકક્ષાના સેન્ટરનું નિર્માણ થવાની સફળતા તેમજ વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના પગલે વૈશ્વિક રોકાણકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત બન્યું છે તેની માહિતી આપી હતી. રાજય સરકારના પહેલાં પ્રોડકશન પછી પરમિશનના અભિગમ, સિંગલ વિન્ડો કલીયરન્સ સિસ્ટમ તેમજ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ કાર્યપદ્ધતિની વિગતો જાણીને પ્રતિનિધિ મંડળના સભ્યો પ્રભાવિત થયાં હતાં. મુખ્યમંત્રીએ રાજયમાં ચાલી રહેલાં રસીકરણ અભિયાન તથા કોરોનાની મહામારી રોકવા માટે ભરાયેલાં પગલાઓ વિશે પણ સભ્યોને અવગત કર્યા હતાં. મુખ્યમંત્રીએ આ પ્રતિનિધિ મંડળને ધોલેરા SIR, ગિફટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ-સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વગેરે સ્થળ મુલાકાત લેવા પણ અનુરોધ કર્યો હતો.