વન્યજીવ ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય ઉમેરાયો
સિંહ,દીપડા અને વાઘ ધરાવતું એકમાત્ર રાજ્ય
33 વર્ષ બાદ વાઘની હાજરી નોંધાઈ
દાહોદના રતનમહાલમાં વાઘ સ્થાયી થયો
રાજ્ય સરકાર વન્ય પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ માટે મક્કમ
ગુજરાત રાજ્ય ભારતનું એક માત્ર રાજ્ય બન્યું છે જેમાં સિંહ,દીપડા અને વાઘની હાજરી નોંધાઈ છે.જેના પરિણામે વન્યજીવ ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાયનો ઉમેરો થયો છે.
ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ 33 વર્ષના લાંબા સમયગાળા પછી ગુજરાતને ફરીથી 'વાઘની હાજરી ધરાવતું રાજ્ય' જાહેર કર્યું છે. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસસ્થાનમાં વન્યજીવ સૃષ્ટિની ત્રણેય મુખ્ય પ્રજાતિઓ સિંહ, વાઘ અને દીપડો એકસાથે અસ્તિત્વ ધરાવે છે. નોંધનીય છે કે છેલ્લા 10 મહિનાથી ચાર વર્ષનો વાઘ દાહોદના રતનમહાલમાં સ્થાયી થયો હોવાના પુરાવા મળ્યા છે, અને ગુજરાતમાં વાઘની સત્તાવાર હાજરી નોંધાઈ છે.
ગુજરાત વન વિભાગ આ ઉપલબ્ધિને પગલે હવે રતનમહાલને સત્તાવાર રીતે ‘ટાઈગર રિઝર્વ’ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેને લઈને વાઘનો વંશવેલો વધારવા માટે અન્ય રાજ્યોમાંથી માદા વાઘ લાવવા અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે. વાઘ માટે પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે તે માટે જંગલમાં તૃણહારી પ્રાણીઓની સંખ્યા વધારવામાં આવશે. આ ઉપરાંત વાઘના સંરક્ષણ માટે સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ અને અત્યાધુનિક મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવશે.
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત હવે એશિયાટીક સિંહ અને દીપડા બાદ વાઘની હાજરી સાથે ત્રણ મુખ્ય ‘બિગ કેટ’ પ્રજાતિઓ ધરાવતું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર વન વિસ્તાર અને વન્ય પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ માટે મક્કમ છે.