ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા આયોજન
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરાય
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહ્યા વિશેષ ઉપસ્થિત
ઉત્તમ કામગીરી કરનાર અધિકારી-નાગરિકોનું સન્માન કરાયું
ભ્રષ્ટાચારમુક્ત રાજ્યના નિર્માણમાં ACBની કામગીરી : CM
ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ACBમાં ઉત્તમ કામગીરી કરનાર 10 જેટલા પોલીસ કર્મીઓ-અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ કરી તેમને ઝબ્બે કરાવનારા 4 જેટલા હિંમતવાન નાગરિકોનું મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભ્રષ્ટાચાર સામેના સામાજિક જાગૃતિ અભિયાનમાં વકતૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાના 12 વિજેતા છાત્રોને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ACBએ કોઈ ગરીબને મદદરૂપ થવાનો ભાવ ઉજાગર કરવા માટે કામ કરવાનો વિભાગ છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે ACB કડકાઈથી પેશ આવે તે આવશ્યક છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાજ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારરૂપી ઉધઈને કંટ્રોલમાં રાખવાનું કાર્ય કરતી ACBની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે, ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે કોઈ પણ પ્રકારના ક્લાસ, કેડર કે અધિકારી લેવલ જોયા વિના એટલે કે, માત્ર નાના લોકોને જ નહીં, પણ વહીવટી તંત્રના ઉચ્ચ પદે બેઠેલા ભ્રષ્ટાચારીઓને પણ પકડીને ખંતપૂર્વક કડક કાર્યવાહી કરી છે. આ પ્રસંગે ગુજરાત તકેદારી આયોગના આયુક્ત સંગીતા સિંઘ, CID ક્રાઈમ એન્ડ રેલવેઝ ડીજીપી ડૉ. કે. એલ.એન.રાવ, NFSU વાઇસ ચાન્સેલર ડૉ. જે.એમ.વ્યાસ, ACBના નિયામક પિયુષ પટેલ સહિત ACBના અધિકારીઓ-કર્મચારીઓ તથા જાગૃતતા દાખવીને ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરનાર નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.