Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે શરૂ કર્યો લોકસંપર્ક, કહ્યું : બહુમતીથી ભાજપને જીતાવશો...

અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી ચૂંટણીના મેદાને, ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી કરી રહ્યા છે લોકસંપર્ક

X

ગુજરાત ભાજપે રાજ્યની ચૂંટણીમાં અનેક ઉમેદવારો અને તેની બેઠક બદલી નાખી છે. રાધનપુર બેઠકથી ટિકિટ માંગનાર અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે, ત્યારે અલ્પેશ ઠાકોર હવે મતદાતાઓ સુધી પહોચી પોતાને અને કમળને મત આપવા અનુરોધ કરી રહ્યા છે.

અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા તો છે, પણ ભાજપે રાધનપુરના બદલે તેઓને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપી છે, ત્યારે અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પર લોકસંપર્ક કરી રહ્યા છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આ સાથે જ તેમનો મુકાબલો કોંગ્રેસના હિમાંશુ પટેલ સામે છે, ત્યારે અલ્પેશ આ બેઠક પર સતત પ્રચારમાં વ્યસ્ત છે. અલ્પેશ ઠાકોર દરરોજ સવારે મંદિરે દર્શન કરી પોતાનો પ્રચાર શરૂ કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં અલ્પેશ ઠાકોરનું સ્વાગત પણ ભવ્ય રીતે કરવામાં આવી રહ્યું છે. ઢોલ-નગારા સાથે તો ફૂલહાર પહેરાવી અલ્પેશ ઠાકોરને આવકારવામાં આવી રહ્યા છે.

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત અલ્પેશ ઠાકોરે કનેક્ટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મને રાધનપુર સીટ ન મળી પણ પાર્ટીએ ગાંધીનગર દક્ષિણથી મારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે મને આ બેઠક પર કોઈ તકલીફ નહીં થાય. કારણ કે, લોકો કમળને જોઈને વોટ આપશે, તો બીજી તરફ વિકાસની વાત આવી તો અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતું કે, ભાજપે દરેક જગ્યાએ વિકાસ કર્યો છે, અહી પણ વિકાસના કામો થયા છે. જો, કોઈ બાકી હશે તો તેને પ્રાથમિકતા આપીશ આમ અલ્પેશ ઠાકોરે પોતાનો અને ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Next Story