ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન અવસરે પોતાની સુરક્ષામાં સતત ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓ સાથે શસ્ત્રોનું પૂજન-અર્ચન કરી તમામને દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજન-અર્ચનની પરંપરા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી હતી, ત્યારે આજે વિજયાદશમીના પાવન અવસરે સીએમ સુરક્ષા શાખા તેમજ ગુજરાત પોલીસ પરિવાર દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર દ્વારા કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્ય પરાયણતાને બિરદાવી હતી.