ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ, નવા મુખ્યમંત્રી નકકી કરવા ભાજપમાં બેઠકોનો દોર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ ફરી એક વખત સૌને ચોંકાવી દીધાં છે

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ, નવા મુખ્યમંત્રી નકકી કરવા ભાજપમાં બેઠકોનો દોર
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ ફરી એક વખત સૌને ચોંકાવી દીધાં છે. સૌના આશ્ચર્ય વચ્ચે શનિવારે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામુ આપી દીધું છે. રવિવારે બપોર સુધીમાં રાજયના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે.

ગુજરાતના રાજકારણમાં શનિવારનો દિવસ એકદમ ચોંકાવનારો રહયો હતો.. અમદાવાદમાં સરદાર ધામના લોકાર્પણનો પ્રસંગ હતો. દેશભરમાંથી પાટીદાર નેતાઓ અમદાવાદમાં ભેગા થયાં હતાં. વડાપ્રધાને દીલ્હીથી ભાષણ આપ્યું હતું અને પાટીદાર સમાજની વાહવાહી કરી હતી. સરદારધામનો આ પ્રસંગ ગુજરાતના રાજકારણમાં ભુકંપ લાવશે તેની કોઇને કલ્પના પણ ન હતી. સરદારધામના કાર્યક્રમમાંથી ભાજપના નેતાઓ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પહોંચ્યાં હતાં. ભાજપના રાષ્ટ્રીય સંગઠનમંત્રી બી.એલ.સંતોષએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓ સાથે બેઠક શરૂ કરી હતી. બેઠક દરમિયાન સમાચાર આવ્યાં કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયપાલને મળવાનો સમય માંગ્યો છે. થોડીવારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, સંગઠનના હોદેદારો અને વરિષ્ઠ મંત્રીઓ રાજભવન પહોંચ્યાં અને વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યું હોવાની જાહેરાત કરવામાં આવી...

હવે મુખ્યમંત્રીના રાજીનામાનો આખો ઘટનાક્રમ સમજીએ... ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે દીલ્હીથી નવસારીના સાંસદ સી.આર.પાટીલના નામની જાહેરાત કરે છે. સી.આર.પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યાં બાદ ગુજરાતનો ઝંઝાવતી પ્રવાસ કરે છે અને તેઓનું કાર્યકરો ભવ્ય સ્વાગત કરે છે. અને પછી વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચુંટણી આવે છે અને તેમાં આઠેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય છે. વિધાનસભાની 182 બેઠકો જીતવા માટેનો સંકલ્પ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જાહેર કરે છે અને થોડા સમય બાદ કોરોનાના ઇન્જેકશન રેમડેસીવીરના મુદ્દે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે ટકરાવ થાય છે પણ આ પહેલાં સી.આર.પાટીલે સંગઠનમાં પોતાની મજબુત પકડ જમાવી મોવડીમંડળનો વિશ્વાસ પ્રસ્થાપિત કરી લીધો હોય છે. હવે બીજો એક સંકેત મોવડીમંડળ તરફથી આપવામાં આવે છે. ભાજપના સંગઠનમાંથી ભીખુ દલસાણિયાને બિહાર મોકલવામાં આવે છે અને બિહારથી રત્નાકર પાંડેને ગુજરાત લાવવામાં આવે છે. કોઇને સ્વપનેય ખ્યાલ ન હતો કે મોદી અને શાહના મનમાં શું ચાલી રહયું છે. શનિવારે અચાનક જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામું આપતાં સૌને પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની યાદ આવી ગઇ ...

મુખ્યમંત્રી વિજય રૂપાણીના 5 વર્ષ 36 દિવસ સુધી ગુજરાતના શાસનની ધુરા સંભાળી હતી અને એક વાત તો ચોકકસ છે કે તેમના શાસનમાં અનેક વિકાસ કામો થયાં છે. તાજેતરમાં વિજય રૂપાણીએ તેમના પાંચ વર્ષના સુશાસનની ઉજવણી કરી હતી. ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ કરી રહી હતી પણ હવે કેવડીયામાં વડાપ્રધાન તેમનો જન્મદિવસ ગુજરાતના નવા મુખ્યમંત્રી સાથે ઉજવશે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી રહયાં છે. નવા મુખ્યમંત્રી તરીકે અનેક નામો ચર્ચામાં છે. કોઇ કહે છે ગોરધન ઝડફીયા બનશે તો કોઇ કહે છે મનસુખ માંડવીયા.. નામ કોઇ પણ ચર્ચામાં હોય પણ મોદી અને શાહ છેલ્લી ઘડીએ નવાજુની કરવા માટે જાણીતા છે. આવતીકાલે રવિવારે કમલમમાં ભાજપના તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યાં છે અને બપોરે 12 વાગ્યે બેઠક શરૂ થશે અને તેમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. રાજયમાં એક વર્ષ બાદ ચુંટણી યોજાવાની છે અને પાટીદાર સમાજ મુખ્યમંત્રી પદની માંગ કરી રહયો છે ત્યારે મુખ્યમંત્રીનો તાજ પાટીદારના શિરે હશે તેવી ગણતરી મંડાઇ રહી છે.

વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે ત્યારે કનેકટ ગુજરાતની ટીમે ભાજપના શીર્ષસ્થ નેતાઓનો સંપર્ક કર્યો પણ કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આવતીકાલે રવિવારે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. હવે જોઇશું મુખ્યમંત્રીના રાજીનામા અંગે વિવિધ પાર્ટીના નેતાઓની કેવી પ્રતિક્રિયા રહી..

#Gujarat Vidhansabha #Politics Update #Resighn #Vijar Rupani Resighn #Vijai Rupani #BJPGujarat #cmogujarat #CMO Gujarat #Gandhinagar Kamlam #Gandhinagar Municipal Corporation #AAP Gujarat #Gujarat Newxt CM
Here are a few more articles:
Read the Next Article