Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મિનિ કબીરવડ તરીકે ઓળખાતા કંથારપુર મહાકાળી વડની મુખ્યમંત્રીએ લીધી આકસ્મિક મુલાકાત

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામની આકસ્મિક મુલાકાતે આવી પહોંચ્યા હતા,

X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામની આકસ્મિક મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ 500 વર્ષ જૂના કંથારપુર વડ નજીક વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સહજ સંવાદ કરી ભૂલકાઓને પણ સ્નેહભાવથી મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં કંથારપુર મહાકાળી વડનો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રા-પ્રવાસન ધામ તરીકે અદ્યતન સુવિધા સાથે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ હેતુસર રૂપિયા 6 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાના વિકાસકામોમાં આ સ્થળે નયનરમ્ય લેન્ડસ્કેપિંગ, ધ્યાનયોગ માટે જગ્યા, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા તેમ જ પાણીનો બોર, ઈલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંગળવારની સવારે અચાનક કંથારપુર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ નિર્માણાધીન વિવિધ કાર્યોની વિગતો મેળવી સાઈટ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યાં હતા.

આ અવસરે મુખ્યમંત્રીએ સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો સાથે સહજ સંવાદ કર્યો હતો. એટલું જ નહીં ભૂલકાઓ સાથે પણ સ્નેહભાવથી હળ્યા-મળ્યા હતા. ભુપેન્દ્ર પટેલ આ પરિસરમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્રતયા અંદાજે રૂપિયા 14.96 કરોડના ખર્ચે જે કામો તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવનાર છે, તે નિશ્ચિત સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂરાં થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. અત્રે નિર્દેશ કરવા જરૂરી છે કે, કંથારપુર વડ 500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. તે મિનિ કબીરવડ તરીકે પણ ઓળખાય છે. અહીં વડ નીચે મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. એટલું જ નહીં, અડધા એકથી વધારે જગ્યામાં પ્રસરેલી આ મહાકાય વડની વડવાઈ પણ પ્રકૃતિ-પર્યાવરણ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન આ સ્થળની મુલાકાત લઈ તેને યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની નેમ દર્શાવી હતી.

Next Story