રાજ્યમાં પેપર લીક કાંડ મુદ્દે આજે કોંગ્રેસે વિધાનસભામાં ભારે હંગામો મચાવ્યો હતો. ગાંધીનગરમાં એક બાજુ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ આક્રમક વિરોધ કર્યો હતો. વિધાનસભામાં આજે પેપર કાંડ મામલે કોંગ્રેસના આગેવાનોએ ભારે હોબાળો મચાવ્યો હતો, જ્યાં વિધાનસભાની લોબીમાં કોંગ્રેસના આગેવાનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વોક આઉટ કર્યું હતું. ગેનીબેન ઠાકોરે વેલમાં આવીને પેપર ફાડી નાખ્યા હતા. આ સાથે અન્ય ધારાસભ્યો પણ ગૃહમાં આવીને નારેબાજી કરી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, 15 મિનિટ સુધી વિધાનસભા ગૃહની કાર્યવાહી બંધ રાખવાની પણ ફરજ પડી હતી.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એકવાર નહીં, બે વાર નહીં પરંતુ 14-14 વાર સરકારના અલગ અલગ વિભાગોના પેપર ફૂટે છે, ત્યારે આ પેપર નથી ફૂટતા. પરંતુ તે યુવાનોના ભવિષ્ય ફૂટ્યા બરાબર છે. યુવાન સાથે જોડાયેલા પરિવાર, તેની સાથે જોડાયેલા લોકોના સપના તૂટે છે. પહેલા જ્યારે પ્રશ્નપત્ર ફૂટ્યૂં, ત્યારે કોઇપણ બેનર વગર વિદ્યાર્થીઓ ગાંધીનગર આવીને પ્રદર્શન કરતાં પણ તેમની વાત સાંભળવામાં આવી ન હતી, ત્યારે આ પેપર ફોડ સરકાર તાત્કાલિક રાજીનામું આપે અને આ મામલે જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે.