ગાંધીનગર ખાતે સંપન્ન થયેલ ડિફેન્સ એક્સ્પો-2022માં અંદાજે રૂ. 1 લાખ 53 હજાર કરોડના 451 એમઓયુ અને ટેકનોલોજી ટ્રાન્સફર સહિતના કરારો થયા છે. જેમાં સૌથી વધુ સંખ્યામાં રોકાણ માટેના કુલ 208 એમઓયુ સંરક્ષણ માટેના જાહેર સાહસો સાથે થયા છે.
દેશ 'મેક ઇન ઇન્ડિયા'થી 'મેક ફોર વર્લ્ડ'ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. 2024-25 સુધીમાં ભારતનો સંરક્ષણ ક્ષેત્રે રૂ. 35 હજાર કરોડનો નિકાસ લક્ષ્યાંક વધારીને હવે રૂ. 40 હજાર કરોડ લઈ જવાશે. સંરક્ષણ સચિવ અજયકુમારે કહ્યું કે, 2020માં લખનઉમાં યોજાયેલા ડિફેન્સ એક્સ્પોના તમામ રેકોર્ડ તૂટ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 12માં ડિફેન્સ એક્સ્પોના અંતિમ પડાવમાં કુલ 26 રક્ષામંત્રી એવોર્ડ એનાયત કર્યા હતા. આ પૈકી 13 એવોર્ડ ખાનગી ક્ષેત્રની કંપનીઓને, જ્યારે 13 એવોર્ડ સંરક્ષણ ક્ષેત્ર જાહેર સાહસો તથા અન્ય સરકારી સાહસોને મળ્યા હતા. આમ ગાંધીનગર ખાતે થયેલ ડિફેન્સ એક્સપોથી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઈન્ડિયાને નવું બળ મળ્યું છે. આ સમાપન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ત્રણેય સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.