એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તો બીજી તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટી ભંગાણને આરે હોય તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગર પાલિકામાં AAPમાંથી ચૂંટાયેલા 27 નગરસેવકોમાંથી 5 નગરસેવકોએ ગાંધીનગરના કમલમ પહોચી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી હવે સુરતના નગરસેવકોનો મોહ ભંગ થતા કેસરિયા ચાલુ થયા છે, ત્યારે સુરત શહેર મહાનગર પાલિકામાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોમાંથી 5 નગરસેવકોએ AAPનું ઝાડુ પડતું મૂક્યું છે. સુરત આપ પાર્ટીના કોર્પોરેટર વિપુલ મોવલિયા, જ્યોતિકા લાઠીયા, ઋતા કકડીયા, મનીષા કુકડીયા અને ભાવનાબેન ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોચ્યા હતા. ભાજપના પ્રદેશ નેતા પ્રદીપસિંહ વાઘેલા, ભાજપના યુવા મંત્રી હર્ષ સંઘવી અને ભાર્ગવ ભટ્ટના હસ્તે ખેસ ધારણ કર્યો હતો.
નોંધનીય છે કે, સુંવાળા તો તુરંત જ ભાજપમાં જોડાય ગયા હતા, પરંતુ સવાણીએ ભાજપમાં જોડાવા અંગે મગનું નામ મરી નહોતું પાડ્યું. જોકે, હવે સવાણીનો તખ્તો ટૂંક સમયમાં જ જાહેર થાય તો નવાઈ નહીં. માત્ર સુરત સિવાય ક્યાય પણ આમ આદમી પાર્ટીને સફળતા સાંપડી નહોતી, પરંતુ હવે 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એક પછી એક આપ પાર્ટીને ઝટકો આપી રહી છે.