ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં આગામી તા. 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી લઈને સમીક્ષા કરવામાં આવી હતી.
કોરોનાના 2 વર્ષ બાદ પ્રથમ વખત વિશ્વ યોગ દિવસની ઑફ લાઇન કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ વર્ષે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આગામી તા. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણી કરાશે, ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણીના સુદ્રઢ આયોજન માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ સબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અંદાજે સવા કરોડ લોકોને યોગમય બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે, ત્યારે રાજ્યકક્ષાનો યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિતીમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં વર્ચુઅલ સંબોધન કરશે. રાજ્યની 45 હજાર પ્રાથમિક શાળાના 84,65,000 વિદ્યાર્થીઓ તેમજ 3,23,000 શિક્ષકો યોગ દિવસની ઉજવણીમાં જોડાશે. આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વતંત્રતાના 75 વર્ષ અંતર્ગત રાજ્યમાં કુલ 75 આઇકોનીક સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.