/connect-gujarat/media/post_banners/cdfd13ed181798525923938c8de84032faaa0bad0584a0d5862d540d1b484e0f.jpg)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં છેલ્લા 3 દિવસથી ગાંધીનગર ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની ત્રિ-દિવસીય બેઠક દરમ્યાન ઉમેદવારોના નામોની પેનલ બનાવવા મનોમંથન કરવામાં આવ્યું હતું. જોકે, હવે બેઠક વાઇઝ જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી દાવેદારોના નામ દિલ્હી દરબારમાં રજૂ કરાશે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ઉમેદવારોના નામો નક્કી કરવા અથવા સંભવીતોના નામોની પેનલ બનાવવા માટે ગુજરાત પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ ગાંધીનગર ખાતે છેલ્લા 2 દિવસથી કસરત કરી રહી છે, ત્યારે આજે પાર્લામેન્ટરી બોર્ડનો અંતિમ દિવસ છે. જેમાં કજીયાનું ઘર ગણાતી બેઠકો સહિત 77 બેઠકો માટે મનોમંથન કરવામાં આવશે. આજે મોડી રાત સુધીમાં તમામ બેઠકો માટે પેનલ તૈયાર થઇ જશે. આ સાથે જ દાવેદારોના નામ આવતીકાલે દિલ્હી દરબારમાં રજૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ કાલથી 2 દિવસ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં બેઠક વાઇઝ જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવારીની પસંદગી કરવામાં આવશે. તા. 10થી 12 નવેમ્બર વચ્ચે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સીટ વાઇઝ પેનલ બનાવવામાં આવી હોવાના કારણે હાઇકમાન્ડે હવે બહુ મહેનત નહી કરવી પડે. જોકે, આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ તમામ 182 સીટ માટે નક્કી કરવામાં આવેલા નામો કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.
"કમલમ્" ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની ત્રિ-દિવસીય બેઠક શરૂ થઇ હતી. બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, વિનોદ ચાવડા, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા, પુરૂષોત્તમ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/07/09/pm-2025-07-09-21-39-35.jpg)