વાયબ્રન્ટ સમિટની આગામી 10મી એડિશન પૂર્વાધરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ઉદ્યોગ વિભાગે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે, સોમવારે વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણ માટેના MOU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. તદઅનુસાર પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે ૬ઠ્ઠી કડીમાં ૩૯ જેટલા કરાર સંપન્ન થયા હતા.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવકુમાર ગુપ્તા આ MOU સંબંધિત રોકાણકારો સાથે પરસ્પર એક્સચેન્જ કર્યા હતા. જેમાં સૂચિત રોકાણ માટેના જે 39 એમ.ઓ.યુ થયા હતા. ગુજરાત જલસેવા તાલીમ સંસ્થાએ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માટેના, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વચ્ચે ફોરેન્સિક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ તેમજ સ્કીલ્ડ હ્યુમન રિસોર્સિસ સ્ટ્રેટેજિક MOU થયા હતા. ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ ઉપરાંત રાજ્યની ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને પંચમહાલ-ગોધરા મહીસાગર જિલ્લા પોલીસ વચ્ચે પોલીસ સ્ટાફના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય અને જાહેર વહીવટ તેમજ કાનૂની ક્ષેત્રે સ્કિલ ડેવલપમેન્ટના MOU થયા હતા.
આ ઉપરાંત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર ફોર સસ્ટેનેબલ એનર્જી અને ટેક્નોલોજી રિસર્ચ તથા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા સરકારી પોલિટેકનીક તથા ડિગ્રી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમના MOU થયા હતા. અમરેલીમાં એરપોર્ટ ફલાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટેના MOU પણ આ 6ઠ્ઠી કડીમાં સંપન્ન થયા હતા. આ સ્ટ્રેટેજિક MOU ઉપરાંત કેપ્ટીવ જેટી પ્રોજેક્ટ, કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ, રાજ્યમાં પ્રથમ લિથિયમ રિફાઇનરી વિકસાવવા, ગ્રીન રિન્યુએબલ હાઇડ્રોજન ફેસેલીટી, જંતુનાશક ઇન્ટરમીડીયેટ, સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ પ્લાન્ટ, નેનો સેટેલાઇટ માટે સંશોધન કેન્દ્ર વગેરેના પણ MOU થયા હતા, ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટે કુલ 135 જેટલા MOU થયા છે.