રાજયના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીમાં 44 બેઠકો માટે મતદાન સંપન્ન થયું છે. મતદાન દરમિયાન ઠેર ઠેર ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને બોલાચાલી થઇ હતી. ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તાનું સુકાન કોના હાથમાં આવશે તે મંગળવારે ખબર પડશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી પર સમગ્ર દેશની નજર છે કારણ કે આ વખતની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાપના બાદ કોંગ્રેસે સત્તાહસ્તગત કરી હતી પણ ત્યારબાદથી જોડતોડનું રાજકારણ ચાલતું આવ્યું છે. આ વખતે યોજાઇ રહેલી મનપાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી મજબુતાઇથી મેદાનમાં ઉતરી છે. ગાંધીનગર મહાનગરપાલિકા અંકે કરવા માટે ભાજપે મંત્રીઓની ફોજ ઉતારી દીધી હતી. રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો... કોર્પોરેશનના હદ વિસ્તરણ બાદ મનપામાં 18 ગામડાં અને પેથાપુરપાલિકાનો સમાવેશ કરાયો હતો. નવા સીમાંકન બાદ પાલિકામાં 11 વોર્ડ થયા છે અને 44 નગરસેવકોની સંખ્યા 44 થઇ છે. 44 કાઉન્સિલરોમાં 22 બેઠકો મહિલાઓ માટે અનામત છે જયારે 5 બેઠકો SC માટે રિઝર્વ રખાઈ છે, જેમાંથી ત્રણ મહિલાઓ માટે છે. 4 બેઠકો OBC માટે અનામત છે, જેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
ગાંધીનગરમાં વિવિધ મતદાન મથકો ખાતે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યાં હતાં. પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કુલ પાસે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આમને સામને આવી જતાં ખુરશીઓ ઉછળી હતી. આ ઉપરાંત સેકટર 19ના એક મતદાન મથકમાં આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા પાર્ટીની ટોપી પહેરીને બેઠો હોવાથી કોંગ્રેસના આગેવાને વાંધો લીધો હતો. આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના આગેવાન પ્રવિણ રામે શું કહયું..
ગાંધીનગર મનપા જીતવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે. બંને પાર્ટીઓએ ચુંટણી પહેલાં જોરદાર પ્રચાર કર્યો હતો. બંને પાર્ટીઓની જનસભામાં માનવ મેદની ઉમટી પડી હતી. સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકા વધારે મતદાન થયું છે. મંગળવારના રોજ સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં સરતાજ કોણ તે મંગળવારે ખબર પડી જશે.