Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : 8 કલાક તો ઠીક, વીજ વિભાગ 4 કલાક પણ વીજળી નથી આપતું : કિસાન સંઘ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીકના ગામોમાં વીજ વિભાગ દ્વારા આકરા તાપમાં પણ પૂરતો વીજ પુરવઠો નહીં અપાતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે

X

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીકના ગામોમાં વીજ વિભાગ દ્વારા આકરા તાપમાં પણ પૂરતો વીજ પુરવઠો નહીં અપાતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે કિસાન સંઘના નેજા હેઠળ વીજ વિભાગને આવેદન પત્ર પાઠવી સમસ્યાનું નિરાકરણ લાવવા ઉગ્ર રજૂઆત કરાય હતી.

તાલાલા નજીકના ગામોના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, વીજ વિભાગની બેદરકારીના કારણે હાલ કઠોળ સહિતની શાકભાજીનો પાક ખેતરોમાં સુકાઇ રહ્યો છે. તો બીજી તરફ સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના વાયદા વચ્ચે વીજ વિભાગ દ્વારા 4 કલાક પણ વીજળી આપવામાં આવતી નહીં હોવાની રાવ ઉઠી છે.

ગીર બોર્ડરના ગામો કે, જેમાં રાત્રિના સમયે ખેતરોમાં સિંહ અને દીપડા સહિતના વન્ય પ્રાણીઓનો ભય રહે છે. આમ છતાં સુકાતા પાકને બચાવવા ખેડૂતો વીજળી જોવાની રાહમાં રાતભર ખેતરોમાં ઉજાગરા પણ કરે છે, ત્યારે થોડો કલાક વીજ પ્રવાહ શરૂ થાય અને તુરંત જ બંધ થઈ જાય છે, જેથી ખેડૂતોનો પાક પણ સુકાય જતાં તેઓ ખૂબ પરેશાન થઈ ઉઠ્યા છે.

સમગ્ર મામલે ખેડૂતોએ વીજ વિભાગની કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું. જોકે, ખેડૂતોની સમસ્યા અને વીજપ્રવાહ બાબતે અંધેર તંત્ર ખેડૂતોને વીજ પ્રવાહ તો ઠીક પરંતુ યોગ્ય જવાબ પણ આપતું નથી, ત્યારે ટૂંક સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો, વીજ કચેરીને તાળાબંધી કરવાની કિસાન સંઘ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story