New Update
ગીર સોમનાથ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ હિટ એન્ડ રનની ઘટના યુવકની હત્યા માટે જ ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સ્ટેટ હાઇવે પર તા 06 સપ્ટેમ્બરની સાંજે સાતેક વાગ્યે એક્ટિવા પર જઈ રહેલા ઉમરેઠી ગામના સુરેશ જાદવ નામના 22 વર્ષીય યુવકને પાછળથી બોલેરો પીકઅપ વાન દ્વારા ઠોકર મારતાં એક્ટિવા ચાલક યુવક ફંગોળાઈ જાય છે અને બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી નાશી છૂટે છે. ઇજાગ્રસ્ત યુવકને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવે છે. જ્યાં ફરજ પરના તબીબ યુવકને મૃત જાહેર કરે છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હિટ એન્ડ રનની ઘટના અકસ્માત હોય તેવું લાગે છે, પરંતુ આ ઘટનામાં ગીર સોમનાથ LCB દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી ત્યારે, આ ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો આખો ગુન્હાહિત પ્લાન હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મૃતક યુવક અને આરોપીના પરિવાર વચ્ચે ઘણા સમયથી મનદુઃખ ચાલ્યા આવતા હતા. મૃતક યુવક સુરેશ આરોપીની બેનને હેરાન કરતો હોવાથી આરોપીએ યુવક સુરેશને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો.
મૃતક સુરેશ પ્રેયસીને મળવા ઉમરેથી ગામથી તાલાલા તરફ એક્ટિવા લઈ જઈ રહ્યો હતો. ત્યારે આરોપી બોલેરો કાર લઈ નીકળ્યો અને ઘુસિયા ગામ નજીક ઇમાનપીર દરગાહ પાસે મોકો જોઈ સુરેશની એક્ટિવાને જબરજસ્ત ઠોકર મારી નાશી ગયો હતો. આરોપીએ આ ઘટના અકસ્માતમાં ખપી જાય અને પોતે સુરક્ષિત રીતે પોતાના મનમાં રહેલી ખુન્નસને પાર પાડશે તેવું વિચારી અકસ્માત સર્જી રાજકોટ તરફ ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીને તેમજ તેની પ્રેમિકા અને અન્ય મદદગાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories