Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : કુદરતી આફતો વચ્ચે કેરીના પાકને અસર, આંબે કેરી જોવા મળી તો ક્યાક માત્ર ફૂલો જ આવ્યા..

ગીર સોમનાથ જિલ્લાના કેટલાક બગીચાઓમાં નાની કેરી એટલે કે, ખાખડી જોવા મળી રહી છે, ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હાલ આંબા પર ફૂલો જ આવ્યા છે.

X

ગીર સોમનાથ જિલ્લાના કેટલાક બગીચાઓમાં નાની કેરી એટલે કે, ખાખડી જોવા મળી રહી છે, ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હાલ આંબા પર ફૂલો જ આવ્યા છે. જેથી એક તરફ ખેડૂતોમાં ખુશી છે, તો બીજી તરફ તેઓને ભયની લાગણી સતાવી રહી છે.

ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ગરમ વિસ્તારોમાં આંબાના વૃક્ષ પર ખાખડી એટલે કે, નાની કેરીઓ આવી રહી છે. તો ઠંડા વિસ્તારમાં આંબાના વૃક્ષ પર હજુ ફલાવરિંગ આવી રહ્યું છે. આવી અચરજ ભરી ઘટના ગ્લોબલ વોર્મિંગના કારણે બની રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ગીર-ગઢડા અને ઉના તાલુકા કરતા કોડીનાર અને તાલાળા વિસ્તારમાં તાઉતે વાવાઝોડા બાદ સ્થિતિ ઘણી સારી છે. વાવાઝોડાએ ઉના અને ગીર-ગઢડા વિસ્તારમાં તો આંબાઓને મૂળ સમેત ઉખાડીને ફેંકી દીધા હતા. તો બીજી તરફ તાલાળા અને કોડીનાર વિસ્તારમાં આંબાઓની માવજત કરવાથી હાલ તેમાં ફલાવરિંગ પણ આવી રહ્યું છે. હવે કુદરત મહેરબાન થાય અને વાતાવરણની વિષમતા ન આવે તો આગામી એપ્રિલ માસમાં કેસર રસિકોને કેરી ખાવા મળશે તેવું ખેડૂતોએ જણાવ્યુ હતું.

જોકે, આંબાના કેટલાક બગીચાઓમાં ખાખડી આવી ગઈ છે, ત્યારે ખેડૂતો અને ઈજારદારોમાં ખુશી જોવા મળી છે. પરંતુ આ સાથે ભય પણ છે કે, "જો વાતાવરણ બદલાય, કમૌસમી વરસાદ અને વધુ પડતી ઝાંકળ પડે તો આંબે આવેલી ખાખડી પણ ખરી પડે તેમ છે. વાતાવરણ જો સ્થિર રહે તો આગામી એપ્રિલ માસની શરૂઆતમાં કેસર કેરી બજારમાં આવતી થશે. પરંતુ ઝાંકળ વધશે તો ખાખડી ખરી જવાની પૂર્ણ સંભાવના વર્તાય છે. આમ પણ આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાનું ખેડૂતો આંકી રહ્યા છે. જોકે, કેસર રસિકોને કેરી ખાવા તો મળશે, પરંતુ તેની કિંમત વધુ ચૂકવવી પડશે તે વાત નક્કી છે.

Next Story