ગીર સોમનાથના વેરાવળના નામાંકિત તબીબની આત્મહત્યા અને પોલીસને મળેલ સ્યુસાઈડ નોટમાં જાહેર થયેલા નામોથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે વેરાવળમાં સેવાભાવી અને નામના ધરાવતા લોહાણા સમાજના તબીબ ડો. અતુલ ચગ એમ.ડી. એ હોસ્પિટલની ઉપરના માળે આવેલા મકાનમાં જ પંખે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો.
સવારે 11 વાગ્યે નિયમિત ડોક્ટર નીચે આવતા હતા, પરંતુ 12 ફેબ્રુઆરીના સવારના ટાઈમે નીચે ન આવતા સ્ટાફે 11 વાગ્યા બાદ જોતા ગળેફાંસો ખાઈ લીધાની જાણ થઈ હતી. જેથી સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે આજે તેઓની પરિવારજનોની હાજરીમાં અંતિમયાત્રા કાઢવામાં આવી છે. જેમાં મોટી સંખ્યાંમા લોકો જોડાયા હતા.
બીજી બાજુ તબીબ અતુલ ચગની આત્મહત્યાના મામલે વેરાવળ પોલીસે પત્રકારોને આપી માહિતી આપતા જણાવ્યું છે કે, તબીબની આત્મહત્યા પાછળ આર્થિક વ્યવહારો કારણ ભૂત હોવાનું અનુમાન છે. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલે રાજકીય અને સામાજીક આગેવાનો અને તબીબો દોડી ગયા હતા. તબીબે ગળેફાંસો ખાતા પહેલા લખેલી એક લીટીની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે ‘હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું' તેમ લખી અને નીચે સહી કરી છે. આત્મહત્યાના આ બનાવમાં મોટી નાણાંકીય લેવડ-દેવડના કારણે કોઇ ચિંતા હોવાના કારણે આ પગલું ભરાયાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.