વેરાવળમાં સિનિયર સિટીઝન્સ ક્લબ દ્વારા અનોખી પહેલ
પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
2 હજાર કાપડની થેલીનું લોકોને વિનામુલ્યે વિતરણ કરાયું
કલેક્ટર અને પાલિકા પ્રમુખના હસ્તે પહેલનો પ્રારંભ કરાયો
લોકોને કાપડની થેલીઓનો ઉપયોગ કરવા અપીલ કરાય
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ આપવા સિનિયર સિટીઝન ક્લબે અનોખી પહેલ હાથ ધરી છે. આ સંસ્થા દ્વારા 2 હજારથી વધુ કાપડની થેલીઓનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ટાવર ચોક ખાતે જિલ્લા કલેક્ટર વી.એન.ઉપાધ્યાય અને નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાનીની ઉપસ્થિતિમાં સિનિયર સિટીઝન ક્લબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સંસ્થા દ્વારા 2 હજારથી વધુ કાપડની થેલીઓનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં શહેર અને જિલ્લાના નાગરિકોને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.
સિનિયર સિટીઝન ક્લબના સભ્યએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકની થેલીના બહિષ્કાર બાદ વિકલ્પની જરૂરિયાત ઉભી થઈ હતી. જેના પગલે ક્લબના તમામ વડીલોએ સહયોગ આપી કાપડની થેલીઓ તૈયાર કરાવી છે. તેઓએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ગીર સોમનાથ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.