Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : વેરાવળમાં 3 માળનું મકાન થયું ધરાશાયી, જુઓ "LIVE" વિડીયો..!

વેરાવળની ધાણીશેરીમાં 3 માળનું મકાન થયું ધરાશાયી, નવા મકાનની કામગીરી વેળા ખાડો ખોદતા સર્જાય ઘટના.

X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં 3 માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સર્જાય હતી, ત્યારે આ ઘટનામાં 2 જેટલા પરિવારનો આબાદ બચાવ થયો હતો. જોકે, સમગ્ર ઘટનાને નજીકમાં હાજર રહેલા કેટલાક લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી.

વરસાદની સીઝન શરૂ થતાં જ કાચા મકાનો ધરાશાયી થવાની ઘટના સર્જાવવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે વેરાવળ શહેરના મુખ્ય બજારમાં આવેલી ધાણીશેરીમાં 3 માળનું મકાન ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાય હતી. આ મકાનની બાજુમાં જ નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું, તે દરમ્યાન શ્રમિકો દ્વારા ખાડો ખોદાતા આખું મકાન એક તરફ નમી ગયું હતું. જેની જાણ થતાં 2 અલગ અલગ પરિવારના 12 જેટલા સભ્યો મકાનની બહાર દોડી આવ્યા હતા.

માત્ર 7થી 10 સેકન્ડના સમયગાળામાં આખેઆખું મકાન ધરાશાયી થતાં ઘરવખરી સહિતનો સામાન કાટમાળ નીચે દબાઈ ગયો હતો, ત્યારે નજીકમાં હાજર રહેલા સ્થાનિકોએ આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. બનાવના પગલે વેરાવળ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કાટમાળ હટાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી. જોકે, આ ઘટના ગત રવિવારના રોજ સર્જાય હતી, ત્યારે બજારો બંધ હોવાથી અહી મોટી જાનહાનિ ટળી હતી.

Next Story