-
અંબાજી દર્શનાર્થે આવતા માઈભક્તોની સુખાકારીમાં થશે વધારો
-
શક્તિ-ભક્તિ માટે જાણીતું સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી
-
શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય-કેન્દ્ર સરકારનું આયોજન
-
રૂ. 1200 કરોડની ગ્રાન્ટમાંથી શક્તિપીઠ અંબાજીનો કરાશે વિકાસ
-
ગબ્બર સહિત અંડર ગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને પ્રાધાન્ય
શક્તિ અને ભક્તિ માટે જાણીતા એવા ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે રૂ. 1200 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. યાત્રિકોની વધુ સુખાકારી માટે અંબાજીની પ્રવિત્રતાને લઇ મહત્તમ અંબાજીથી ગબ્બર શક્તિ કોરીડોર, ચાચરચોક, વિસ્તૃતિકરણ તેમજ અંડર ગ્રાઉન્ડ માર્ગ જેવા વિકાસના કામોને હાલ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેને લઇ આ કામગીરીમાં નડતરરૂપ સરકારી ઓફિસો તેમજ ખાનગી રહેણાંક અને દુકાનોને ડીમોલેશન કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, ST નિગમ, ગ્રામ પંચાયત અને માર્ગ અને મકાન વિભાગની નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.
આ સાથે જ સૌપ્રથમ હોલીડે હોમની જગ્યાએ સર્કલ બનાવીને ત્યાંથી ગબ્બર તળેટી સુધી શક્તિ કોરીડોર અને 51 શક્તિપીઠ સર્કલથી સંસ્કૃત પાઠશાળા સુધી વાહનો માટે અંડર ગ્રાઉન્ડ રસ્તાની કામગીરી પ્રથમ અને દ્વિતીય ફેઝમાં શરૂ થશે. જોકે, અંબાજીના વિકાસની કામગીરીને લઇ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મહામેળો 3 વર્ષ સુધી બંધ રહેશે, તેવી વાતનું ખંડન કરતા અંબાજી મંદિરના વહીવટદારે તેને માત્ર અફવા ગણાવી હતી. મેળો પરંપરાગત રીતે ચાલુ રહેશે, અને જરૂર પડશે તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી મેળો ચાલુ જ રખાશે તેમ તેઓએ જણાવ્યું હતું.