/connect-gujarat/media/post_banners/c43d908a0d9ff6eeabb110fa413a9e0bb3f2ac728df7b17ba0c73e84c9d6093c.jpg)
રાજય સરકારે માછીમારો માટે આર્થિક પેકેજ જાહેર કર્યું છે. અગાઉ આવેલાં તાઉતે વાવાઝોડા તથા ગત સપ્તાહે દરિયાકાંઠા વિસ્તારમાં ફુંકાયેલા ભારે પવનથી બોટને થયેલા નુકશાનનું વળતર ચુકવવામાં આવશે..
રાજયમાં તાઉતે વાવાઝોડાના કારણે માછીમારોની બોટોને નુકશાન થયું હતું. ગત સપ્તાહે પણ દરિયા કિનારે વિસ્તારમાં 100 કીમીથી વધારેની ઝડપે ફુંકાયેલાં પવને પણ બોટોનો દાટ વાળી દીધો હતો. મંગળવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળી હતી. બેઠકમાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવનથી નુકશાન મુદ્દે સહાય ચુકવવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં માછીમારો માટે જાહેર કરાયેલાં આર્થિક પેકેજની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં કુલ 29,716 જેટલી બોટો નોંધાયેલી છે જેમાંથી કુલ 50 જેટલી બોટોને નુકશાન થયું હોવાનું જણાયું છે. માછીમારોને 35 હજાર સુધીની સહાય આપવામાં આવશે.પૂર્ણ નુકસાન પામેલ નાની બોટને 75 હજાર સુધીની સહાય તેમજ 5 લાખ રૂપિયાની લોન પર 10 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. વધુમાં મુખ્યમંત્રી રાહત પેકેજમાં સહાય માટે આવક મર્યાદા વધારી દેવામાં આવી છે પહેલા 3 લાખ સુધીની આવક ધરાવતા માછીમાર સહાયને પાત્ર હતા હવે સરકારે તેમાં વધારો કરી આવક મર્યાદા એક લાખથી વધારીને 4 લાખ કરવામાં આવી છે.