જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં કરુણાંતિક સર્જાય
મોટર સાયકલ પર જર્જરિત મકાન પડતા દુર્ઘટના સર્જાય
ઘટનામાં દાદા અને માસૂમ પૌત્રનું કરુણ મોત નીપજ્યું
બન્ને બજારમાં ખરીદી માટે નીકળ્યા હતા અને મોત મળ્યું
દુઃખદ ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના ચા બજાર વિસ્તારમાં જર્જરિત ઇમારત અચાનક ધસી પડતાં કરુણાંતિકા સર્જાય હતી. જેમાં નજીકથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા દાદા અને પૌત્રનું કાટમાળ નીચે દબાઈ જતાં કરુણ મોત નીપજ્યું હતું.
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના ચા બજાર વિસ્તારમાં બપોરના સમયે જર્જરિત ઇમારત અચાનક ધસી પડતાં નજીકમાંથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા દાદા હુશેન કાસમ મોભી અને તેમનો 4 વર્ષીય પૌત્ર ઝૈદ કાટમાળ નીચે દબાયા હતા. બનાવના પગલે સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને તેમને બહાર કાઢ્યા, પરંતુ ગંભીર ઇજાઓના કારણે બન્નેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.
જોકે, દુર્ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, “માંગરોળ શહેરમાં હજુ પણ આવી અનેક જર્જરિત ઇમારતો 'મોતના માચડા' સમાન ઉભી છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આવી જોખમી ઇમારતોને ઉતારવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
તો બીજી તરફ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ માંગરોળની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, એક દાદા અને તેમના પૌત્રનું મકાન ધરાશાયી થવાને કારણે મૃત્યુ થયું છે. તેમણે તાત્કાલિક માંગરોળ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ ઉપરાંત તેમણે ખાતરી આપી છે કે, તેઓ સરકારમાં જર્જરિત ઇમારતો અને મકાનોને ઉતારવા માટે રજૂઆત કરશે. આ સાથે જ મૃતકોના પરિવારને વહેલી તકે સરકારી સહાય મળે તે માટે પણ પ્રયાસો કરશે.