/connect-gujarat/media/post_banners/d69db0b0257cadfaf25b457730b8eb876b0ba12dc84bf11c1b60a71b6c26422c.webp)
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વખતે પણ પાર્ટીએ જીત માટે પૂરી તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ જોરશોરથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ત્રણ રેલીઓ છે. PM મોદીની પ્રથમ રેલી સુરેન્દ્રનગરમાં સવારે 11 વાગ્યે યોજાશે. આ પછી તેઓ બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં ચૂંટણી સભા કરશે. ગત વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ ગુજરાતમાં 34 જાહેરસભાઓ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે તેઓ 25 ચૂંટણી સભા કરશે. પીએમ ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પ્રધાનો પીયૂષ ગોયલ, પુરુષોત્તમ રૂપાલા, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ પટેલની રેલીઓ પણ હશે.
ભારત જોડો યાત્રા પર આવેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ આજથી ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે ઉતરશે. તેઓ તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચારથી દૂર રહ્યા હતા. જો કે આજે ગુજરાતમાં ચોક્કસ સભા કરશે. કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરતના મહુધામાં ચૂંટણી સભાને સંબોધશે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ આજે ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે. કેજરીવાલ પાટીદારોના ગઢ ગણાતા અમરેલીમાં રોડ શો કરશે. તેમના સિવાય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાજ્યસભાના સાંસદો રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાર્ટી માટે ચૂંટણી માટે પ્રચાર કરશે.