સમગ્ર ગુજરાતમાં 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે, ત્યારે અચાનક જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાણ બહાર ટેકનિકલ ઈસ્યુને કારણે કોલ લેટર જોઈ શકતા હતા. બન્યું એવું કે વેબસાઈટમાં ટેકનિકલ ફોલ્ટના કારણે જે વિદ્યાર્થીઓએ જાન્યુઆરીમાં કોલ લેટર ડાઉનલોડ કરેલા હતા અને હજુ ક્રોમમાં હિસ્ટ્રી સેવ છે તો તે લિંક રીઓપન કરે છે તો નવા કોલ લેટર જોઈ શકાતા હતા. પરંતુ કોલલેટર ની બહાર પડયા ની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.
આ વાતની જાણ ગુજરાત પંચાયત બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલને સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી. ત્યારે તાબડતોબના ધોરણે આ ખામીને દૂર કરી દેવામાં આવી છે. જેની જાણકારી આપતા હસમુખ પટેલે ટ્વિટ કરી કહ્યું કે ટેકનિકલ ખામીને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર જૂની લીંક ઉપર ડાઉનલોડ થતા હતા, તે ખામી દૂર કરી દેવામાં આવી છે અને હવે કોઈ કોલ લેટર ડાઉનલોડ થતા નથી. કોલ લેટર બહાર પાડવામાં આવશે ત્યારે ઉમેદવારોને વેબસાઈટના માધ્યમથી અગાઉથી જાણ કરવામાં આવશે. ધ્યાન દોરવા બદલ આભાર.