હવામાન વિભાગ દ્વારા કરાય છે ભારે વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસી રહ્યો ભારે વરસાદ
દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં પાણી પાણી
ઠેર ઠેર વરસાદ વચ્ચે જળ બંબાકારની પરિસ્થિતી સર્જાય
લોકોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા સૂચન કરાયું
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે જળ બંબાકારની પરિસ્થિતી સર્જાય હતી.
હવામાન વિભાગ દ્વારા 2 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરાય છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આગાહી અનુસાર, વલસાડ જિલ્લામાં પણ પાણી પાણી થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પાણીની આવક થતાં મધુબન ડેમની જળ સપાટી 77.15 મીટરે પહોચી હતી. જેના કારણે ડેમના 8 દરવાજા ખોલી 50 હજાર ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને નદી પટમાં ન જવા સૂચના આપવામાં આવી હતી.
તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર, નવસારી જીલ્લામાં પણ જળ બંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયું હતું. સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે. નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણ નદીની સપાટી 19 ફૂટ પર પહોંચી હતી. પૂર્ણા નદીની સપાટી વધતા ગણેશ વિસર્જન માટે બનાવાયેલા કૃત્રિમ તળાવો પાણીમાં ડૂબ્યા હતા. જેના કારણે વિધ્નહર્તાના વિસર્જન આડે વિધ્ન આવ્યું હતું. શહેરની 3 હજારથી વધુ પ્રતિમાઓનું પૂર્ણ નદીમાં વિસર્જન કરવામાં આવે છે, ત્યારે પાણીની સપાટી વધતા નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં સમસ્યા સર્જાય હતી.
હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો આ તરફ, દાહોદ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદના પગલે દાહોદ જિલ્લાના 6 ડેમ ઓવરફ્લો થયા છે. એટલું જ નહીં, નદી-નાળા પણ છલકાયા છે, ત્યારે મુવાલીયા તળાવ પણ ઓવર ફલો થયું હતું. આ તળાવ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે લોકોની સુરક્ષા અને સલામતી માટે ડેમ અને નદી નાળાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને લોકોને પણ કામ વગર બહાર નહીં નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા તંત્ર દ્વારા સૂચન કરાયું હતું.