જામનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બ્રેઇન ડેડ થયેલ મહિલાના પરિવારજનો દ્વારા અંગદાન કરી મહિલાના પરિવારજનો દ્વારા સમાજ માટે પ્રેરણારૂપ નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગરના ભોઇ જ્ઞાતીના પીએચડીની પદવી મેળવનાર આશાસ્પદ પ્રોફેસર મહિલા તૃષાબેન શૈલેશભાઈ મહેતાનું અકસ્માતગ્રસ્ત બન્યા પછી તબીબો દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન તેમના પરિવારજનો દ્વારા ઓર્ગન ડોનેશન માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી છે, ત્યારે જામનગરના સાત રસ્તા નજીક આવેલ યુનિક હોસ્પિટલ અને આઈસીયુ.ના ડોકટર એ.ડી.રૂપારેલીયાની દેખરેખ હેઠળ સમગ્ર અંગદાનનું ઓપરેશન હાથ ધરવામાં આવશે. મહિલા તૃષાબેનના કિડની, લીવર, આંખ અને જો શક્ય હશે તો ચામડીનું પણ દાન કરવામાં આવશે. દુ:ખના સમયમાં પણ સમગ્ર મહેતા પરિવારે સમાજને ઉપયોગી થવાની ઇચ્છા શક્તિ દર્શાવી બીજા લોકોને નવજીવન આપવાનો ઉમદા નિર્ણય કર્યો છે. તો બીજી તરફ, આટલી મોટી ઘટના બાદ પણ પોલીસ વિભાગ હજુ સુધી આ અકસ્માત સર્જનાર કાર આરોપીને શોધી શક્યો નથી જે અચરજની વાત કહી શકાય છે.