આજરોજ 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની ઉજવણી
વન વિભાગ અને લાખોટા નેચર ક્લબનું સંયુક્ત આયોજન
સરકારી અને ખાનગી શાળાઓમાં વિશેષ કાર્યક્રમનું આયોજન
3 હજારથી વધુ વિદ્યાર્થીઓને સિંહના મુખોટાનું વિતરણ કરાયું
વિદ્યાર્થીઓને એશિયાટિક સિંહો અંગે માહિતી આપવામાં આવી
જામનગર વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરની સરકારી અને ખાનગી શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને એશિયાટિક સિંહો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ગુજરાતના ગૌરવ અને સાસણ ગીરના જંગલની શાન એવા એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિવર્ષ 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર કલબ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની અલગ અલગ સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને તજજ્ઞ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહ અંગે માર્ગદર્શન આપી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને સિંહના મુખોટાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.