ઈવનગર ગ્રામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારનો મામલો
ઉપસરપંચ દ્વારા TDO-વિસ્તરણ અધિકારી સામે આક્ષેપ
ભ્રષ્ટાચાર અંગેની કથિત ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ
ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે ઉપસરપંચની માંગ
પોતાના પર થયેલ આક્ષેપોને TDOએ પાયાવિહોણા ગણાવ્યા
જુનાગઢ જિલ્લાની ઈવનગર ગ્રામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે ઉપસરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે, જ્યારે પોતાના પર થયેલા તમામ આક્ષેપોને TDOએ પાયાવિહોણા ગણાવ્યા હતા.
જુનાગઢ જિલ્લાની ઈવનગર ગ્રામ પંચાયતના ઉપરસરપંચ દ્વારા જુનાગઢના TDO અને વિસ્તરણ અધિકારી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. આ બન્ને અધિકારી સરપંચોને ભ્રષ્ટાચાર શીખવાડતા હોવાનો આક્ષેપ કરાયો છે. અધિકારી અને લેબર કોન્ટ્રાક્ટર વચ્ચેની કથિત વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ છે. જેમાં મજૂરી અને બ્લોકના ભરવામાં આવેલા નીચા ભાવમાં ફેરફાર કરવાની સલાહ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. ઇવનગરના ઉપસરપંચ પરેશ ભૂતએ જણાવ્યું હતું કે, આ વાતચીત સાબિત કરે છે કે, TDO અને વિસ્તરણ અધિકારી નીચા ભાવ ભરેલા કોન્ટ્રાક્ટરને ટેન્ડર રદ કરવા દબાણ કરે છે. તેમનો હેતુ પોતાના માનીતાઓને ઊંચા ભાવે બ્લોકનું ટેન્ડર ભરાવીને લાખોનો ભ્રષ્ટાચાર કરવાનો છે. પરેશભાઈએ આક્ષેપ કર્યો જુનાગઢ TDO પાસે વિસાવદર તાલુકા પંચાયતનો પણ ચાર્જ છે, અને ત્યાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. સરકારે ભ્રષ્ટ અધિકારીઓને પ્રમોશન ન આપતા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા ઉપસરપંચ દ્વારા માંગ કરાય છે.
તો બીજી તરફ, સમગ્ર મામલે TDO રાજેન્દ્ર ઠાકોરે તેમના પર થયેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, ભાવ રજૂ કરનાર વ્યક્તિએ સામેથી કહ્યું હતું કે, તે ભાવ ખોટી રીતે રજૂ થયા છે. છતાં સરપંચને સૂચના આપવામાં આવી હતી કે, આ વ્યક્તિને રૂબરૂ બોલાવીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. TDOએ વધુમાં જણાવ્યું હતું કે, આક્ષેપ કરનાર ઉપસરપંચ પોતે અગાઉ સરપંચ હતા, અને તેમના દ્વારા કરાયેલા કામોમાં કોઈ ફરિયાદ મળી નહોતી. સમગ્ર વિવાદની વચ્ચે ઓડિયો ક્લિપ વાઈરલ થતાં મળેલી બેઠકમાં મજૂરીના અને બ્લોકના જે નીચા ભાવો ભરવામાં આવ્યા હતા, તેના જ ટેન્ડર મંજૂર થયા હોવાનું જાણવા મળ્યું છે.