રાજ્યમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી
માંગરોળના આજક ગામ નજીક બ્રિજનો સ્લેબ તૂટ્યો
હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા
સદનસીબે ઘટનામાં તમામ લોકોનો ચમત્કારિક બચાવ
પુલ તૂટ્યો નથી, પણ તોડવામાં આવ્યો છે : કલેક્ટર
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક બ્રિજનો સ્લેબ તૂટી પડતાં હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.
વડોદરા-આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતાં 21 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે રાજ્યમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક આવેલ બ્રિજ તૂટી પડ્યો હતો. આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલ પુલનો સ્લેબ તૂટ્યો હતો. આ ઘટનામાં હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, આ પુલ તૂટ્યો નથી, પણ તોડવામાં આવ્યો છે.
તો બીજી તરફ, સ્થાનિકોનો આક્ષેપ છે કે, જર્જરિત બ્રિજનું સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આવા અકસ્માતો સર્જાય છે. આ જાહેર રસ્તો છે, હજારો વાહનો અહીથી પસાર થાય છે. અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકે, દુર્ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, પુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.