ખડપીપળીમાં રસ્તાની સમસ્યા
ખેતરમાં જવાના રસ્તાથી ખેડૂતો પરેશાન
વર્ષો જૂની સમસ્યા હાલમાં પણ યથાવત
ઉચ્ચકક્ષાની રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય
રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે ઉઠી માંગ
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના 40 ખેડૂતો માટે ખેતરમાં જવાનો રસ્તો વિકટ સમસ્યારૂપ બન્યો છે. બે હજાર ફૂટના રોડની સમસ્યા મુદ્દે અનેક રજૂઆત છતાં કોઈ જ પરિણામ મળ્યું નથી.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના 40 જેટલા ખેડૂતો માટે બે હજાર ફૂટનો સિમ વાડી વિસ્તારમાં જવાનો મુખ્ય રસ્તો સમસ્યારૂપ બનતા ખેડૂતો ભારે હાલાકી વેઠી રહ્યા છે, ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતા હોવાથી ખેડૂતો પોતાની વાડીએ પણ જઈ શકતા નથી, આ રસ્તા મુદ્દે ખેડૂતોએ મામલતદાર, ટીડીઓ, ધારાસભ્ય સહિતનાઓને અનેક રજૂઆત કરી છતાં વર્ષોની સમસ્યાનું હજુ સુધી કોઈ જ નિવારણ આવ્યું નથી,ખેડૂતો માટે પોતાની વાડીએ ચાલીને જવું પણ દુષ્કર બન્યું છે.
મેંદરડા તાલુકાના ખડપીપળી ગામથી ગોધમપુર જતા વાડી વિસ્તારનો રસ્તો અતિ વિકટ બન્યો છે, અને ખેડૂતોની સમસ્યા કોઈ સાંભળતું ન હોવાની વ્યથા ખેડૂત મનસુખ ભાળજાએ ઠાલવી હતી.અને વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર ખેડૂતોની સમસ્યા સામે ધ્યાન ન આપતું હોવાનું દુઃખ તેઓએ વ્યક્ત કર્યું હતું.
ખડપીપળી ગામના 40 ખેડૂતોની સમસ્યાના નિવારણ કરવા જિલ્લા પંચાયત દ્વારા 3 વર્ષ પહેલા માટી પાથરી રસ્તો રીપેર કરાવ્યો હતો,પણ વરસાદના કારણે રસ્તો ધોવાઈ જતા હવે આ બે હજાર ફૂટના રસ્તામાં સીસી રોડ બનાવવો પડે તો જ ખેડૂતોની સમસ્યા હલ થાય એમ છે, આગામી દિવસોમાં સીસી રોડ બનાવી ખેડૂતોની સમસ્યાનું તાકીદે નિવારણ થાય તેવા પ્રયાસો જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવશે તેમ જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર દ્વારા જણાવાયું હતું.