ભવનાથમાં પરંપરાગત મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ
હર હર મહાદેવના નાદ સાથે કરાશે મીની કુંભ મેળાનો પ્રારંભ
વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
ધ્વજારોહણ બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવશે
ભવ્ય ડમરૂ યાત્રા, મહાઆરતી અને ધર્મસભાનું પણ આયોજન
હર હર મહાદેવ’ના નાદ સાથે જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
મીની કુંભ તરીકે જાણીતા જૂનાગઢના ભવનાથમાં પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીના મેળાને લઈને પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી મેળાના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ‘હર હર મહાદેવ’ના નાદ સાથે આ વર્ષે મેળો આગામી તા. 11 ફેબ્રુઆરીએ ધ્વજારોહણ બાદ વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવશે. આ સાથે જ ભવ્ય ડમરૂ યાત્રા, મહાઆરતી અને ધર્મસભાનું પણ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મેળામાં રાત્રીના 12 વાગે નીકળતી રવેડીનો રૂટ 500 મીટર વધારતા 2 કિમીની રવેડી નીકળશે. તેમજ સાધુ સંતો માટે દત્ત ચોકમાં ધુણાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. ભાવિકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. મેળામાં આવનાર ભાવિકને કોઈપણ જાતની અગવડતા ન પડે તે અંગે પણ નોંધ લેવાઈ રહી છે. તો બીજી તરફ, જુનાગઢ જીલ્લા પોલીસ, SOG, BDDS સહિત ડોગ સ્કવોર્ડ દ્વારા સમગ્ર ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદીર પરિસરો, તમામ અખાડાઓ, હોટલો તેમજ ધર્મશાળાઓમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.