વરસાદી વાતાવરણ વચ્ચે ગીર-સાસણ ખીલી ઉઠ્યું
ગીર ફોરેસ્ટ લીલુછમ થઈ જતાં આકર્ષણનું કેન્દ્ર બન્યું
જંગલ સૌંદર્ય કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ ઉમટ્યા
સિંહ દર્શન સહિત આહલાદક વાતાવરણની મજા માણી
ગીરનો સિંહ માત્ર ગુજરાત નહીં, ભારત વર્ષનું ગૌરવ
વરસાદી વાતાવરણ વચ્ચે જુનાગઢનું ગીર-સાસણ સૌંદર્ય કળાએ ખીલી ઉઠતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, જ્યાં સિંહ દર્શન સહિત આહલાદક વાતાવરણ વચ્ચે જંગલની મજા માણી હતી.
જુનાગઢના સાસણ-ગીર અભ્યારણમાં થતી સફારીનું એકમાત્ર પ્રવેશદ્વાર છે. સાસણમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા બસમાં પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં આવે છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીર સાસણની મુલાકાત લીધી હતી, ત્યારથી સાસણમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જુનાગઢના સાસણમાં આમ તો સિંહ દર્શન માટે તા. 15 જૂનથી 16 ઓગસ્ટ સુધી સિંહ દર્શન બંધ રહે છે. જેમાં ખાસ કરીને સરકાર દ્વારા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સાસણનું એકમાત્ર દેવળીયા પાર્ક 12 મહિના પ્રવાસીઓ માટે સિંહ દર્શન અર્થે ખુલ્લું રાખવામાં આવે છે. વર્ષાઋતુ દરમિયાન ગીર ફોરેસ્ટ લીલુછમ થઈ જતા પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે.
દેશ-વિદેશના પ્રવાસીઓ ચોમાસા દરમિયાન સિંહ દર્શન માટે અને આહલાદક વાતાવરણ વચ્ચે જંગલની મજા માણવા ઉમટી પડતા હોય છે. જુનાગઢનું સાસણ પર્યાય સમુ ગીર ભારતના સૌથી જૂના અભ્યારણોમાંનું એક છે. વિશ્વમાં ફક્ત ગીર અભ્યારણમાં તેમજ તેના આસપાસના રક્ષિત વિસ્તારોમાં મુક્ત વિહરતો એશિયાઇ સિંહ સાવજ અને ડાલામથો જેવા ગૌરવભર્યા નામોથી પણ ઓળખાય છે. આ ગીરનો સિંહ માત્ર ગુજરાત નહીં, પરંતુ ભારત વર્ષનું ગૌરવ છે. વિશ્વના સહેલાણીઓ માટે ગુજરાત રાજ્ય આજે સિંહોનું પર્યાય બની ગયું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ સાસણ-ગીરની મુલાકાત કરી સિંહ દર્શન અને આહલાદક વાતાવરણની મજા માણવા આવતા હોય છે.