શહેર તેમજ જીલ્લામાં વરસ્યો હતો ભારે વરસાદ
ભારે વરસાદના કારણે ખેતીપાકનો સોથ વળી ગયો
મેંદરડા તાલુકામાં હજારો એકર પાકનું ધોવાણ થયું
કપાસ, મગફળી, અડદના પાકમાં થયું મોટું નુકશાન
સરકાર દ્વારા સહાય ચૂકવાય તેવી ખેડૂતોની માંગ
છેલ્લા 2-3 દિવસ વરસેલા ભારે વરસાદે જુનાગઢ જીલ્લામાં ખેતીપાકનો સોથ વાળી દીધો છે. મેંદરડા તાલુકામાં હજારો એકર પાકનું ધોવાણ થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
આ દ્રશ્યો છે, જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના… જુનાગઢ જિલ્લામાં આસોમાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બનવા પામી છે. ગત 2 દિવસ પહેલા વરસેલા ભારે વરસાદ બાદ ખેડૂતોના તૈયાર થયેલ પાકમાં મોટું નુકશાન થયું છે. મેંદરડા ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળી, કપાસ, સોયાબીન અને અડદ જેવા વાવેતર કરેલ પાકમાં પ્રતિ વીઘા 6 હજારથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, છેલ્લા 2 દિવસ પડેલા વરસાદે આર્થિક ઝટકો આપ્યો છે.
જોકે, પાછોતરા વરસાદથી "ગેરું ટીકા" નામનો રોગ મગફળીમાં જોવા મળ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રતિ વીઘા 10 હજારથી વધુનો ખર્ચ મગફળીના વાવેતરમાં કરવામાં આવ્યો છે. છેલ્લા 2-3 દિવસના વરસાદ બાદ ન માત્ર કપાસ અને મગફળી, પરંતુ અડદનું વાવેતર કરનાર ખેડૂતોના હાલ પણ બેહાલ થયા છે, ત્યારે હવે સરકાર દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને સત્વરે સહાય ચૂકવાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.