-
કેશોદ તાલુકાના ચર ગામમાં બન્યો હત્યાનો બનાવ
-
વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સ દ્વારા કરાયો હુમલો
-
આધેડ ખેડૂતની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી
-
આધેડ ખેડૂતના મૃતદેહ પર અસંખ્ય ઘા જોવા મળ્યા
-
હત્યાના બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સે આધેડ ખેડૂતની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામ ખાતે રહેતા આધેડ ખેડૂત ખીમાણંદ બોરખતરિયા મકાનની ઓસરીમાં સુતા હતા, જ્યારે તેઓની પુત્રવધુ ઘરમાં એકલા સુતા હતા, ત્યારે અજાણ્યાં શખ્સે મકાનનું બારણાનું બહારથી બંધ કરી આધેડ પર હુમલો કર્યો હતો. અજાણ્યાં શખ્સે બોથડ પદાર્થ વડે માથા તેમજ શરીરના અન્ય ભાગે આડેધડ ઘા મારી આધેડની હત્યા નિપજાવી હતી. બનાવના પગલે ગ્રામજનો તોલે વળ્યા હતા. ત્યારબાદ 108 ઈમરજન્સી સેવા સહિત પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસમાં જોડાયો હતો. મૃતદેહ પર નાના મોટા અસંખ્ય ઘા જોવા મળ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તો બીજી તરફ, આધેડની હત્યાથી તેઓનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.