લબરમૂછિયાઓ બેખૌફ બન્યા
સગીરને માર મારતો વિડીયો વાયરલ
સિગારેટના દમ મારીને માર્યો માર
અપશબ્દો બોલી પટ્ટા વડે માર માર્યો
પોલીસે ફરિયાદ દર્જ કરીને શરૂ કરી તપાસ
જુનાગઢ શહેરમાં એક સગીર યુવકને કેટલાક લબરમૂછિયાઓએ સિગારેટના દમ મારતા મારતા માર માર્યો હતો,અને ધાક ધમકી આપીને વિડીયો બનાવ્યો હતો,જે વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી.અને ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
જૂનાગઢ શહેરમાં એક સગીરને જૂની અદાવતમાં કેટલાક લબરમૂછિયા તોફાની યુવાનોએ માર માર્યો હોવાની ઘટનાએ ચકચાર જગાવી હતી.તોફાનીઓએ સિગારેટના દમ મારતા મારતા સગીરને માર મારતો અત્યંત ગંભીર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાલના યુવાધનની માનસિકતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
સાતથી આઠ સગીરો એક અન્ય સગીરને બેફામ અને બેરહેમીથી માર મારી રહ્યા છે. માર મારતી વખતે આ સગીરો અપશબ્દો બોલી રહ્યા છે અને ભોગ બનનારને પટ્ટા વડે પણ મારવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર ગંભીર મામલે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર સગીર યુવકની માતાએ ફરિયાદ નોંધાવી હતી.અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.પોલીસે આ સમગ્ર મામલે માર મારવો,અપશબ્દો, જાનથી મારી નાખવાની ધમકી આપવી,ગેરકાયદેસર અટકાયત કરવી,ગેરકાયદેસર મંડળી રચી આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.