જુનાગઢમાં લીલી પરિક્રમામાં માત્ર 400 લોકોને જોડાવાની તંત્રએ પરવાનગી આપી છે પણ રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટી પડતાં રૂપાયતન ગેટ પાસે હોબાળો મચી ગયો દર વર્ષે કારતક સુદ અગિયારસથી વિધિવત રીતે ગીરનારની લીલી પરિક્રમા શરૂ થતી હોય છે. રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ ગીરનારની પરિક્રમા કરતાં હોય છે. ગત વર્ષે કોરોનાના કારણે લીલી પરિક્રમાને મંજુરી અપાય ન હતી આ વર્ષે પણ માત્ર 400 લોકોને પરિક્રમા કરવાની મંજુરી અપાય છે.
વધારે સંખ્યામાં પરિક્રમાવાસીઓ ન આવી જાય તે માટે રૂપાયતન ગેટને બંધ કરી દેવાયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. ગીરનારની પરિક્રમા કરવા આવેલાં શ્રધ્ધાળુઓએ ગેટ બંધ જોઇને હોબાળો મચાવ્યો હતો. કેટલીક મહિલાઓએ ગેટની સામે જ ભજન કિર્તન શરૂ કરી દીધાં હતાં. ગિરનારની લીલી પરિક્રમાને લઇ જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડી દીધું છે. માત્ર 400 સાધુ,સંતોને જ પરિક્રમાની પરમિશન મળશે. આ નિણર્યથી લોકો ફરી અવઢવમાં આવી ગયા છે, કારણ કે આ 400 માં કોણ? તેવો સવાલ હજુ પણ ઉઠી રહ્યો છે. હાલ જુનાગઢમાં અનેક પરિક્રમાવાસીઓ અટવાયેલાં છે ત્યારે આ અંગે યોગ્ય નિર્ણય લેવાય તે જરૂરી છે.