સ્કૂલમાંથી ભાગેલા ત્રણ બાળકોનું પરિવાર સાથે મિલન
જૂનાગઢ એસટી વિભાગે પરિવાર સાથે કરાવ્યું મિલન
રાજકોટ ખાનગી સ્કૂલમાંથી ભાગ્યા હતા બાળકો
શિક્ષકના ઠપકાથી ગભરાયને ભાગ્યા હતા બાળકો
બાળકોનું માતાપિતા સાથે મિલન થતાં હાશકારો
રાજકોટની ખાનગી સ્કૂલમાંથી ભાગી છૂટેલા ત્રણ બાળકો મોડી રાત્રે જૂનાગઢ બસ સ્ટેન્ડ પરથી હેમખેમ મળી આવતા વાલીઓ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
રાજકોટની ખાનગી સ્કૂલમાંથી ત્રણ બાળકો શિક્ષકના ઠપકાથી ડરીને ભાગી ગયા હતા,કોઈ બાબતે શિક્ષકે વાલીને બોલાવવાનું કહેતા, વાલીના મારના ડરથી આ ત્રણેય વિદ્યાર્થીઓએ સ્કૂલેથી ભાગી જઈને ટ્રાવેલ્સ બસ પકડી હતી અને જૂનાગઢ પહોંચ્યા હતા. જૂનાગઢ ST સ્ટાફની સતર્કતા અને માનવતાભરી કાર્યવાહીને કારણે બાળકોનું સુખદ મિલન થઈ શક્યું હતું.
જુનાગઢ બસ સ્ટેન્ડ ખાતે ફરજ પરના ટ્રાફિક કંટ્રોલર અને ઇન્ચાર્જ ટીસી જયેશ ડાંગરને ત્રણ બાળકો યુનિફોર્મમાં અને ગભરાયેલી હાલતમાં રાજકોટ જવા માટેની બસનું પૂછતા જણાતા કંઈક ગરબડ હોવાનું લાગ્યું હતું.બાળકોને રાજકોટની બસના ભાડા વિશે પૂછપરછ કરતા તેમની ગભરાટભરી હાલત જોઇને ટ્રાફિક કંટ્રોલર ડાંગરે તરત જ તેમને પોતાની કંટ્રોલ ઓફિસમાં બેસાડી દીધા હતા.
ઇન્ચાર્જ ટીસી જયેશ ડાંગરે જણાવ્યું હતું કે જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે ત્રણ છોકરાઓ મને રાજકોટ જવા માટેની બસનું પૂછવા આવ્યા હતા. મેં તેમને રાજકોટની બસનું ભાડું રૂપિયા 100 આસપાસ હોવાનું કહ્યું હતું. તે સમયે બાળકો મને ગભરાયેલી હાલતમાં હોવાનું લાગ્યું હતું. અને વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ ત્રણેય બાળકો રાજકોટની એક સ્કૂલમાંથી ભાગીને અહીં જૂનાગઢ પહોંચ્યા હતા,અને ત્યાર બાદ પોલીસ અને તેમના પરિવારનો સંપર્ક કરીને બાળકોને હેમખેમ પરિવારજનોને સોંપવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.