જુનાગઢ ખાતે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે આજથી મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ સહિતના અનેક સ્થળે ધ્વજારોહણ કરાયું હતું.
મહાવદ નોમના શુક્રવાર 25 ફેબ્રુઆરીથી લઇને મહાવદ તેરસ-મંગળવાર 1 માર્ચ સુધી આ જુનાગઢ ખાતે મહા શિવરાત્રિના ભવ્ય મેળાનો સંતો મહંતોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સવારના સમયે વિવિધ અખાડા, આશ્રમોના સંતો-મહંતો, અધિકારી, પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરાયું હતું. બાદમાં તમામ અખાડા અને આશ્રમોમાં પણ ધ્વજારોહણ સાથે મહા શિવરાત્રી મેળાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે હવે સતત 5 દિવસ સુધી ભવનાથ તળેટી સહિતના વિસ્તારોમાં વિવિધ ધરમૂક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જોકે, કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી ભાવિકો માટે શિવરાત્રિ મેળો યોજાયો ન હતો. હાલ કોરોના ખુદ મરણ પથારીયે પહોચ્યો છે, ત્યારે સરકારે કોરોના ગાઇડલાઇન સાથે મહા શિવરાત્રિના મેળાની છૂટ આપી છે, ત્યારે આ વર્ષે અગાઉના વર્ષો કરતા વધુ ભાવિકો ઉમટી પડશે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે. અહી આવનાર ભાવિકોની સુરક્ષા માટે જુનાગઢ પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા ગોઠવાય છે, જ્યારે અગત્યની ભીડવાળી જગ્યા પર ચેક પોસ્ટ ઊભી કરી સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.