અનેક વાદ-વિવાદો અને વિટંબણાઓ વચ્ચે ગિરનારની લીલી પરિક્રમાનો ગત મોડી રાત્રે સાધુ-સંતો અને પદાધિકારીઓએ જય ગીરનારીના નાદ સાથે વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ગિરનારની લીલી પરિક્રમામાં માત્ર 4૦૦ સાધુ-સંતો સહિત અન્ય લોકોને જ પરવાનગી મળતા અનેક વિવાદ ચાલતા હતા, ત્યારે અંતે વહીવટી તંત્રએ ઝૂકી શ્રદ્ધાળુઓને પરિક્રમા કરવા છૂટ આપવાની ફરજ પડી હતી. જેથી દેવ ઉઠી એકાદશી રાત્રીના 12 વાગ્યે ભવનાથ તળેટીએથી પરિક્રમાનો પરંપરાગત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જોકે, સોમવારની વહેલી સવારથી જ પરિક્રમાર્થીઓને જંગલ વિસ્તારમાં પ્રવેશ આપવામાં આવે ત્યાં સુધી તો સેંકડો પ્રવાસીઓ ભવનાથ વિસ્તારમાં 2-2 દિવસથી પરિક્રમા શરૂ થાય તેની રાહ જોઈને બેઠા હતા. પરિક્રમા કરવાના નિર્ણય અંગે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા પરિક્રમા કરવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે ગિરનારની લીલી પરિક્રમામાં વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.