પોરબંદરની એક મહિલા સાથે થઈ મોટી છેતરપિંડી
સસ્તામાં સોનું આપવાની લાલચે મહિલા ભોળવાઈ
જુનાગઢના ઠગબાજોએ 7 લાખ રૂપિયા ખંખેરી લીધા
ભોગ બનનાર મહિલાની પોલીસ મથકમાં ફરિયાદ
3 શખ્સોની ધરપકડ, જ્યારે અન્ય 4 આરોપી વોન્ટેડ
પોરબંદરની મહિલાને સસ્તામાં સોનું આપવાની લાલચમાં ભોળવી જુનાગઢના ઠગબાજોએ લાખો રૂપિયા ખંખેરી લેતા સમગ્ર મામલો અમરેલીના ધારી પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, પોરબંદરના માધવપૂરની મહિલાને જુનાગઢના ઠગબાજોએ સસ્તામાં સોનું આપવાની લાલચ આપી હતી. સસ્તામાં સોનું મેળવવાની લાલચમાં માધવપૂરની મહિલાને અમરેલીના ધારી ખાતે બોલાવવામાં આવી હતી, જ્યાં મહિલાએ ઠગબાજોને રૂ. 7 લાખ આપી સોનું ખરીદ્યું હતું. જોકે, મહિલાએ માધવપૂર ઘરે જઈને જોયું તો સોનું નકલી જણાય આવ્યું હતું.
પોતાના સાથે મોટી છેતરપિંડી થતાં મહિલાએ અમરેલીના ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ, ધારીમાં ખોટું સોનું પધરાવીને ફરાર થયેલા આરોપીઓની LCB પોલીસે શોધખોળ હાથ ધરી હતી. જેમાં જુનાગઢના દિલીપ જીવણ સોલંકી, ઈશ્વર ગંગારામ વાઘેલા અને આસીફ ભીખુશા રફાઈની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 4 આરોપીને વોન્ટેડ જાહેર કરી તેઓની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ પોલીસે રૂ. 7 લાખમાંથી 6.40 લાખ રોકડ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.