ખેડા જિલ્લાની આશાવર્કર બહેનોએ નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પોતાના પડતર પ્રશ્નો અંગે વિરોધ પ્રદર્શન યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું.
રાજ્યભરમાં સમાન કામ, સમાન વેતનની માંગ સાથે આશાવર્કર બહેનો તેમજ આશા ફેસિલિએટર બહેનો ઘણા સમયથી લડત ચલાવી રહી છે, ત્યારે જિલ્લા-તાલુકા કક્ષાએ અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં વહિવટી તંત્ર દ્વારા તેઓની વિવિધ માંગણીઓને લઇને કોઇ સકારાત્મક અભિગમ નહીં અપનાવાતાં ખેડા જિલ્લાની આશાવર્કર બહેનોએ નડિયાદ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. કોરોના સમયથી ઈન્સેન્ટિવ નહીં ચૂકવાતું હોવાનું તેમજ વધતી જતી મોંઘવારી વચ્ચે ગરીબ આશાવર્કર બહેનોની હાલત કફોડી બની છે, ત્યારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી પોતાની માંગણીઓ સંતોષવામાં આવે તે માટે રજૂઆત કરાય હતી. આ સાથે જ આગામી 15 દિવસમાં મહેનતાણું નહીં ચૂકવાય તો આંદોલનનો માર્ગ અપનાવવા અંગે પણ આશાવર્કરોએ જણાવ્યુ હતું.