ખેડા જિલ્લાના મહેમદવાદ-કઠલાલ હાઇવે પર કરોલી ગામ નજીક કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે કલાકોની જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ ઉપર ફાયર ફાઇટરોએ કાબુ મેળવ્યો હતો
ગત રાત્રિના સમયે મહેમદવાદ-કઠલાલ હાઇવે પર કરોલી ગામ નજીક લીમડીથી મધ્યપ્રદેશ તરફ જતાં કપાસ ભરેલા એક ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રકમાં 41 ટન જેટલો કપાસનો જથ્થો હોવાથી જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ટ્રકમાં આગ લાગતાની સાથે જ હાઇવે પર અન્ય વાહનચાલકોમાં ભાગદોડ મચી હતી. થોડા કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહેતા અનેક વાહનચાલકો અટવાયા હતા. બનાવની જાણ થતાં જ નડિયાદ, મહેમદાવાદ, કઠલાલ અને મહુધા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે જ મહેમદાવાદ અને કઠલાલ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોચ્યો હતો. 2 કલાકની ભારે જહેમત બાદ ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઇટરોને સફળતા મળી હતી. જોકે, આગમાં લાખો રૂપિયાના કપાસ સહિત ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. તો બીજી તરફ સદનસીબે ડ્રાયવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો, ત્યારે હાલ તો ટ્રકની જાળીમાં હિટ પકડાવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.