અંજારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી
દબડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી
આરોગ્ય કેન્દ્રની બહાર ખુલ્લામાં દવાનો મોટો જથ્થો
ચાલુ વરસાદે દવાનો જથ્થો પલળી જતાં મોટું નુકશાન
પ્રાંત અધિકારીને જાણ કરાતા વહીવટી તંત્ર દોડતું થયું
કચ્છ જિલ્લાના અંજાર વિસ્તારના દબડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર ખુલ્લામાં રાખવામાં આવેલો દવાનો મોટો જથ્થો વરસાદના કારણે પલળી જતાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.
સરહદી કચ્છ જિલ્લામાં ગ્રામીણ દર્દીઓ માટે સરકારી દવાખાનાઓ આશિર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે, જ્યાં દર્દીઓને વિવિધ રોગ સામે રક્ષણ આપતી જરૂરી દવાઓ અને તબીબી સારવાર વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. તેવામાં અંજારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે. અંજાર વિસ્તારના દબડા આયુષ્માન આરોગ્ય મંદિર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંજાર નં. 2માં બહાર ખુલ્લામાં દવાનો મોટો જથ્થો મુકવામાં આવ્યો હતો.
જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્ય સહિત કચ્છ જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ચાલુ વરસાદે ખુલ્લામાં રાખેલો દવાનો જથ્થો પલળી ગયો હતો. આરોગ્ય તંત્ર દ્વારા દવાના જથ્થા ઉપર તાડપત્રી સુદ્ધાં નહીં લગાવતા મોટું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ પ્રાંત અધિકારીને કરવામાં આવતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, દવાનો મોટો જથ્થો વરસાદમાં પલળી જતાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.